2 રાજઓ 4 : 1 (GUV)
હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”
2 રાજઓ 4 : 2 (GUV)
એલિશાએ તેને પૂછયું, “હું તારે માટે શું કરું? મને કહે; તારી પાસે ઘરમાં શું છે?” સ્ત્રીએ કહ્યું, “તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી.”
2 રાજઓ 4 : 3 (GUV)
ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારે માટે તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો, એટલે ખાલી વાસણો માગી લાવ. થોડાં માગતી નહિ.”
2 રાજઓ 4 : 4 (GUV)
પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં પેસીને બારણું બંધ કરીને પેલાં સર્વ વાસણોમાં [તેલ] રેડ. અને જે જે ભરાય તે તે એજ બાજુએ મૂકતી જા.”
2 રાજઓ 4 : 5 (GUV)
પછી તે સ્ત્રી એલિશાની પાસે ગઈ, ને તેણે તથા તેના દીકરાઓએ [ઘરમાં] પેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે [વાસણો] લાવતા, ને તે [તેમાં તેલ] રેડતી.
2 રાજઓ 4 : 6 (GUV)
વાસણો ભરાઈ રહ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું, “મારી પાસે હજી બીજું વાસણ લાવ.” દીકરાએ કહ્યું, “હવે બીજું એકે વાસણ નથી.” એટલે તેલ બંધ પડ્યું.
2 રાજઓ 4 : 7 (GUV)
પછી સ્ત્રીએ આવીને તે ઈશ્વરભક્તને ખબર આપી. ઈશ્વરભકતે કહ્યું, “તું જઈને તેલ વેચીને તારું દેવું વાળ, ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન‍ ચલાવ.”
2 રાજઓ 4 : 8 (GUV)
એક દિવસ એવું બન્યું કે, એલિશા શૂનેમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને એલિશાને રોટલી ખવડાવી. અને એમ થયું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો, તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો.
2 રાજઓ 4 : 9 (GUV)
અને સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, “હવે મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે, તે એક પવિત્ર ઈશ્વરભક્ત છે.
2 રાજઓ 4 : 10 (GUV)
કૃપા કરીને‍ ચાલો, આપણે ભીંત પર એક નાની ઓરડી બનાવીએ. અને ત્યાં આપણે તેમને માટે એક પલંગ, મેજ, બાજઠ તથા દીવી મૂકીએ. અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે.”
2 રાજઓ 4 : 11 (GUV)
એક દિવસે એવું બન્યું કે, ઈશ્વરભક્ત ત્યાં આવ્યો, ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો.
2 રાજઓ 4 : 12 (GUV)
અને તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” અને તેણે એને બોલાવી, એટલે તે [આવીને] તેની આગળ ઊભી રહી.
2 રાજઓ 4 : 13 (GUV)
તેણે તે [ના ચાકર] ને કહ્યું કે, હવે તેને પૂછ કે, જો, તેં અમારે માટે આ બધી કાળજી ને ચિંતા રાખી છે; તો તારે માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરવામાં આવે?” તેણે ઉત્તર આપ્યો, “હું મારા પોતાના લોકમાં વસું છું.”
2 રાજઓ 4 : 14 (GUV)
ત્યારે તેણે પૂછ્યું, “ત્યારે એને માટે શું કરવું?” ગેહઝીએ ઉત્તર આપ્યો, ખરેખર, તેને પુત્ર નથી, ને તેનો પતિ વૃદ્ધ છે.”
2 રાજઓ 4 : 15 (GUV)
અને તેણે કહ્યું, “તેને બોલાવ.” એલિશાએ એને બોલાવી, એટલે તે [આવીને] બારણામાં ઊભી રહી.
2 રાજઓ 4 : 16 (GUV)
તેણે કહ્યું, ”આ સમયે વખત આવ્યે તું છોકરાને આલિંગન કરશે.” એ સ્ત્રીએ કહ્યું, “ના, હે મારા મુરબ્બી ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”
2 રાજઓ 4 : 17 (GUV)
પછી તે સ્ત્રીને ગર્ભ રહ્યો, ને એલિશાએ તેને કહ્યું હતું તેમ, તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો.
2 રાજઓ 4 : 18 (GUV)
અને તે છોકરો મોટો થયો, ત્યાર એક દિવસે એમ બન્યું કે તે [ઘરેથી] નીકળીને તેના પિતા પાસે લણનારા હતા ત્યાં ગયો.
2 રાજઓ 4 : 19 (GUV)
છોકરાએ પોતાના પિતાને કહ્યું, “મારું માથું, મારું માથું.” એટલે તેણે પોતાના‍ ચાકરને કહ્યું, “એને ઊંચકીને એની મા પાસે લઈ જા.”
2 રાજઓ 4 : 20 (GUV)
ચાકર તેને ઊંચકીને તેની મા પાસે લાવ્યો, ત્યારે તે તેના ખોળામાં બપોર સુધી બેઠો, ને પછી મરણ પામ્યો.
2 રાજઓ 4 : 21 (GUV)
અને ઊપર જઈને સ્ત્રીએ ઈશ્વરભક્તના પલંગ પર તેને સુવાડ્યો, ને તેને અંદર રહેવા દઈને [બારણું] બંધ કરીને તે બહાર ગઈ.
2 રાજઓ 4 : 22 (GUV)
અને તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારી પાસે એક ચાકર તથા એક ગધેડું મોકલો કે, હું ઈશ્વરભક્ત પાસે દોડતી જઈ પાછી આવું.”
2 રાજઓ 4 : 23 (GUV)
તેણે પૂછ્યું, “તું આજે શા માટે તેમની પાસે જાય છે? આજ અમાવાસ્યા નથી, તેમ સાબ્બાથ પણ નથી.” એણે કહ્યું, બધું ઠીક થશે.”
2 રાજઓ 4 : 24 (GUV)
પછી એણે ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના ચાકરને કહ્યું, “હાંકીને આગળ ચાલ; અને હું તને આજ્ઞા કરું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”
2 રાજઓ 4 : 25 (GUV)
આ પ્રમાણે તે ગઈ, ને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે એને દૂરથી જોઈ, ત્યારે એમ થયું કે તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “જો, એ આવનાર તો શુનામ્મી છે.
2 રાજઓ 4 : 26 (GUV)
કૃપા કરીને હમણાં તેને મળવા દોડતો જા, ને એને પૂછ કે, તું ક્ષેમકુશળ છે? તારો ધણી ક્ષેમકુશળ છે? છોકરો ક્ષેમકુશળ છે?” તેણે કહ્યું, “ક્ષેમકુશળ છે.”
2 રાજઓ 4 : 27 (GUV)
પછી તેણે પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવીને તેના ચરણ પકડ્યા. અને ગેહઝી એને હડસેલી કાઢવા માટે પાસે આવ્યો. પણ ઈશ્વરભક્તે કહ્યું, “એને રહેવા દે; કેમ કે એનું મન દુ:ખિત છે. યહોવાએ મારાથી તે છુપાવીને મને કહ્યું નથી.”
2 રાજઓ 4 : 28 (GUV)
પછી તેણે કહ્યું, “શું મેં મારા મુરબ્બી પાસેથી પુત્ર માગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને ભરમાવશો નહિ?”
2 રાજઓ 4 : 29 (GUV)
ત્યારે ઈશ્વરભક્તે ગેહઝીને કહ્યું, “તારી કમર બાંધીને તથા તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહિ; અને કોઈ તને સલામ કરે, તો તેને સામી સલામ કરતો નહિ. અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે.”
2 રાજઓ 4 : 30 (GUV)
છોકરાની માએ કહ્યું, “યહોવાના જીવના તથા તમારા જીવના સમ કે હું તમને મૂકવાની નથી.” તેથી તે ઊઠીને એની પાછળ ગયો.
2 રાજઓ 4 : 31 (GUV)
ગેહઝી તેમની આગળ ચાલ્યો ગયો, ને છોકરાના મોં પર લાકડી મૂકી, પણ નહિ કંઈ વાણી કે નહિ કંઈ ધ્યાન. માટે તેને મળવા પાછો આવીને તેણે ઈશ્વરભક્તને એવી ખબર આપી, “છોકરો જાગૃત થયો નથી.”
2 રાજઓ 4 : 32 (GUV)
એલિશા ઘરમાં આવ્યો ત્યારે જુઓ, છોકરો મૂએલો તથા તેના પલંગ પર સુવાડેલો હતો.
2 રાજઓ 4 : 33 (GUV)
તેથી તે અંદર ગયો, ને બન્‍ને અંદર રહીને તેણે બારણું બંધ કર્યું ને યહોવાની પ્રાર્થના કરી.
2 રાજઓ 4 : 34 (GUV)
અને [પલંગ] પર ચઢીને તે છોકરા પર સૂતો, અને એના મોં પર પોતાનું મોં, એની આંખો પર પોતાની આંખો, એના હાથ પર પોતાના હાથ રાખ્યા, અને પોતે છોકરા પર લાંબો થઈને [સૂતો]. અને છોકરાનો દેહ ગરમ થયો.
2 રાજઓ 4 : 35 (GUV)
પછી તે પાછો ઊતર્યો, ને ઘરમાં આમતેમ એક ફેરો ખાધો; પછી ફરીથી ઉપર ચઢીને તે તેના પર લાંબો થઈને સૂતો; એટલે છોકરાએ સાત વાર છીંક ખાધી, ને છોકરાએ આંખો ઉઘાડી.
2 રાજઓ 4 : 36 (GUV)
પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” એટલે તેણે એને બોલાવી. જ્યારે એ તેની પાસે આવી ત્યારે એલિશાએ કહ્યું, ”તારા દીકરાને ઉઠાવી લે.”
2 રાજઓ 4 : 37 (GUV)
પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને એલિશાને પગે પડી, ને તે પોતાના દીકરાને ઊંચકી લઈને બહાર ગઈ.
2 રાજઓ 4 : 38 (GUV)
એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”
2 રાજઓ 4 : 39 (GUV)
એક જણ શાકપાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો, ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઈંદ્રવરણાં વીણ્યાં. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોળી નાખ્યાં; કેમ કે તેઓ તે ઓળખતા ન હતા.
2 રાજઓ 4 : 40 (GUV)
તેથી તેઓએ તે માણસોને ખાવા માટે પીરસ્યું. અને તે શાક તેઓએ ખાવા માંડ્યું, ત્યારે એમ થયું કે તેઓએ બૂમ પાડી, “રે ઈશ્વરભક્ત, તપેલામાં તો મોત છે.” અને તેઓ તે ખાઇ ન શક્યા.
2 રાજઓ 4 : 41 (GUV)
પણ એલિશાએ કહ્યું, “ત્યારે આટો લાવો.” અને તેણે તે તપેલામાં નાખ્યો. પછી તેણે કહ્યું, “હવે લોકોને પીરસો કે તેઓ ખાય. હવે તપેલામાં નુકસાનકારક કંઈ રહ્યું નહિ.”
2 રાજઓ 4 : 42 (GUV)
બાલ-શાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્તને માટે પ્રથમફળનું અન્‍ન, એટલે જવની વીસ રોટલી, ને અનાજનાં તાજાં કણસલાં પોતાની ઝોળીમાં લાવ્યો. અને એલિશાએ કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય.”
2 રાજઓ 4 : 43 (GUV)
તેના ચાકરે કહ્યું, “શું હું આ સો માણસોની આગળ મૂકું?” પણ તેણે કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા એમ કહે છે, ‘તેઓ ખાઇ રહેશે તોયે તેમાંથી પડ્યું રહેશે.’”
2 રાજઓ 4 : 44 (GUV)
માટે તેણે શાક તેઓની આગળ મૂક્યું, ને યહોવાના વચન પ્રમાણે તેઓએ ખાધું તેમ છતાં તેમાંથી કંઈક પડી રહ્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

BG:

Opacity:

Color:


Size:


Font: